બાવીસી માતાજી : કોટડા નો ઇતિહાસ

જયાં બાવીસી કન્‍યાઓ સતી થઈ’ તી

જામજોધપુર પાસે કોટડા બાવીસી મંદિરે ભવ્‍ય મંદિરમાં ખાંભીરૂપે માતાજી બિરાજે છેઃ

બાવીસ ચારણ કન્‍યાઓ સાથે ઢોલી મીર અને અન્‍ય બેસ્ત્રીઓની પણ ખાંભી છે… માતાજી અનેક પરચા આપે છે,વેણુના ઘુઘવતા જલ સામે ભકિતરસ પણ ઘુઘવે છે.

ભારતમાતાનાં કરકમલોમાં શ્રીફળ પેઠે સોહતું સૌરાષ્‍ટ્ર સંતો – સતીઓ – સાવજો શૂરાઓની ભલી ભોમકા છે.

ખમીર – ખુમારી – ત્‍યાગ – ટેક – બલીદાન – સ્‍વાર્પણની ભાવના અહીં પરંપરામાં ઝળહળતી રહી છે. સત્‌ને ખાતર હાથ – પગ – ધડનો ત્રિભેટો થઈ, ખાંભી થઈ ખોડાઈ જનારા, પાળીયા બનીને પૂજાનારા, આભને થોભ દે તેવા અડીખમ આદમીઓ આ ધરતીએ આપ્‍યા છે.

સૌરાષ્‍ટ્રનાં ગામે ગામ ખાંભીઓને પાળીયા હશે, સૌરાષ્‍ટ્રની બહાર આખી પૃથ્‍વી પર બીજે કયાંય નહીં હોય ! – આ પવિત્ર ભૂમિમાં સદીઓથી શ્રદ્ધાનાં પ્રતિક સમા જીવતા સ્‍થાનો આવેલા છે.

જામનગર જીલ્લાના જામજોધપુરની ઉગમણી દિશાએ ત્રણ કિલોમીટર દૂર કોટડા ગામ… પંખીનાં માળા જેવા આ ગામને અડીને વેણુ અને ફુલઝારનો સંગમ થાય છે. આ નદીના પૂર્વ કાંઠે એક જમાનામાં લાખણશીના ટીંબા તરીકે પ્રખ્‍યાત ટેકરી પર હાલ શ્રી બાવીસી માતાજીનું ભવ્‍ય મંદિર અને રળીયામણું પરીસર આવેલા છે.

બાવીસી માતાજીની કથા:

પ્રાચીન કાળથી સિદ્ધો, સિંહો, ચારણો, સતીઓને માટે માંની હૂંફાળી ગોદ જેવા ગીર વિસ્‍તારમાં આશરે સાતસો વર્ષ પૂર્વે – તેરમા સૈકામાં – હીરણ નદીને કાંઠે બાવળા શાખના ચારણોનો ‘બાવળ નેસ’ આવેલો છે.

વીસ – પચ્‍ચીસ પરીવારના ઝૂંપડા, બધા માલધારી. સૌની પાસે નાના મોટા ભેંસુનું ખાડુ એમાં બોઘાભાઈ મોટા માલધારી. બસો ભેંસુ, જેમાંથી દોઢસો જેટલી ભેંસો દોણે આવે. સુખ – સમૃદ્ધિ – સંપત્તિનો ત્રિવેણી સંગમ. બોઘાભાઈને સંતાનમાં ચાર દિકરીઓ, બાયાંબેન, દેવલબેન, જીવણીબેન અને જાલુબેન. દીકરીઓ ઉમરલાયક થતાં બોઘાભાઈ મોટી બે દિકરીઓનાં સંબંધ કરવા ઉતાળવા થયા છે. માંગા તો ઘણા આવે પણ મન માનતું નથી.

જગદંબા જેવી દિકરીઓને પાળી પોષી મોટી કરી, પરણાવી – પસટાવી પોતાનું બધુ સોંપી દેવાના મનોરથ બોઘાભાઈનાં હૈયે રમે છે. સારા ઠેકાણાની તપાસ માટે બધે ફરે છે. આવા જ એક પ્રવાસમાં પાંચેક દિવસ થયા. તડકામાં ચાલીને નેસમાં પરત આવતા થાકેલા બોઘાભાઈને વહેલા ઘરે પહોંચવું છે. બપોર ઢળી ગઈ છે. બીજી બહેનો નેસમાં રમવા ગઈ છે ત્‍યારે ઝૂંપડા ફરતી કાંટાળી વાડ, મોટું ફળીયુને ફળીયામાં બાયાંબેન માથાબોળ સ્‍નાન કરે છે.

તાળવે જીભ ચોટી જવાય, તેવો ગળે શોષ પડેલો, તેવા તરસ્‍યા બોઘાભાઈ ખોંખારો ખાધા વિના કડેડાટ ફળીયામાં આવીને ઊભા રહ્યાને જોયું તો દિકરી સ્‍નાન કરે છે.

એકદમ અવળા ફરી ઊભા રહી ગયા. બાયાંબેને જોયું કે, કોઈ પુરૂષ આવ્‍યો છે. સફાળા ઊઠયા, વષાો સંભાળી, ક્રોધાવેશમાં કોણ છે – તે જાણ્‍યા વિના બોલી ઊઠયાં, – ‘અરે ! ભણું રોઝ કાંઈ દો ? આ ભણ્‍યું ચારણના ઝૂંપ છે. નસે જાણતો, ભણું રોઝ?’ – આટલું સાંભળતા બોઘાભાઈનો દેહમાં કમકમાટી આવી, ચીસ પડી. દીકરીને ભાન થયું કે પોતાના પિતા છે. બહુ ખેદ થયો અને જોગમાયાના શ્રાપથી બાપ રોઝમાં પલટાઈ ગયો. સૌને ખબર પડી. અરેરાટી થઈ પડી. બાંયાબેન સાથે ત્રણેય નાની બહેનોએ પ્રતિજ્ઞા કરી – લગ્ન કરશું નહીં, રોઝ સ્‍વરૂપમાં પલટાયેલા પિતાને સાંચવશું. બીજાં ચારણોએ ઘણું સમજાવ્‍યા, પણ ચારેય બહેનો પોતાની ટેકમાં અડગ રહી.

સમયાંતરે એવી ઘટના બની કે પ્રભાસ પાટણનાં રાજાની ફુલવાડીને રોઝે ખેદાન મેદાન કરી. બાવળાના નેસમાંથી સવારે છૂટેલ રોઝ રાજાની વાડીમાં રંજાડ કરે. છેવટે રાજાએ પ્રતિજ્ઞા કરી કે, ‘‘એ રોઝને મારૂં નહીં, ત્‍યાં સુધી રાજધાનીનાં અન્ન-જળ હરામ, ત્‍યાં લગી અહીં પગ નહીં મૂラકું !” – લશ્‍કર સાબદુ થયું. રોઝને પકડવા આવેલ રાજા પાછળ પડયો. બાવળા નેસમાં પગેરૂ મળ્‍યું. ચારણોને ધમકી દઈ રાજા પાછો ફર્યો પણ બાંયાબેને નક્કી કર્યુ કે હવે આ ધરતી છોડવી – અધરાતે ઘરવખરી ગાડા, પાડા, ઊંટ માથે લાદી સૌ ચારણોએ ઉચાળા ભર્યા. માણાવદરની પશ્ચિમ દિશાએ આવેલ મીતી નામના ગામે આ ચારણોનું વાંઢીયુ પહોંચ્‍યું. ભેંસો ઓત્રાળે ચડી એટલે સૌ દોણા – વલોણા કરવા લાગ્‍યા. મીતીનો ચારણ – દાયરો રાજી થયો. રોકાયો પણ પ્રભાસનાં વાજા ઠાકોરને આ વાવડ મળ્‍યાને બાંયાબેને સૌને આદેશ આપ્‍યો – ઉચાળા ભરો. ચારણો તો વાજા ઠાકોરને ભરી પીવા તૈયાર હતા પણ આઈએ રોકયા. મીતી છોડી, બરડાડુંગરનાં આભપરાથી આથમણે બે ગાઉ છેટે રોઝડા ગામની ધીંગી ધરતી ગમી, રોકાયા. જંગલ – વન – વગડામાં આથડતો રાજા હવે રઘવાયો થયો છે. રાજાના માણસોએ ખબર દીધીને રાજા રોઝડાની સીમમાં આવ્‍યો. પોતે જેને શત્રુ ગણતો હતો તે રોઝને જોયો. ઘોડો દોડાવ્‍યો. તીર છોડયુ, રોઝ ઘાયલ થયો પણ છટકી ગયો. બાંયાબેને ઘાયલ રોઝને જોતા જ ઠરાવ્‍યું કે, કાળમુખો રાજા અહીં આવી પહોંચ્‍યો છે ને ફરીથી ઉચાળા ભર્યા ને વેણુનદીને કાંઠે લાખણશીને ટીંબે આવી વસ્‍યા. હવે અહીં સલામતી છે, શાંતિ છે, સુખ છે. રાણીએ સમજાવ્‍યો, ન માન્‍યો –

‘‘ચારણ ને ચકમક તણી કોઈ ઓછી મ ગણજો આગ,

ટાઢી તો પણ તાગ – લાગે લાખણ સિંહટા-”

વળી રાજાને જાણભેદુઓએ કોટડામાં રોઝ હોવાના વાવડ આપ્‍યા. સાંજનું ટાણું, અજાણ્‍યો મુલક, નદીનો કાંઠો – રાજા ત્‍યાં આવ્‍યો હવનાષ્‍ટમીનો પવિત્ર દિવસ.. આઠમનો ઉજળો દિવસ. નેસમાં માતાજીના હવનની તૈયારી.. વિદ્વાન બ્રાહ્મણો, કોટડા ગામના લોકો, સાધુ – સંતો આવ્‍યા છે. બપોરે બીડું હોમવાનું છે. આ બાજુ નદી કાંઠે રઘવાયો રાજા રોઝને ગોતે છે. ‘મારૂં કે મરૂં’ નું ઝનૂન તેના માથે સવાર થયું છે. રાણીએ, ગોવાળે, સાધુએ અગાઉ તેને રોકયો છે ને રોઝ નદીએ પાણી પીવા આવ્‍યો, રાજાને ભાળતા ભાગ્‍યો. રાજાએ તેની પાછળ ઘોડો મારી મૂકયો. નેસમાં આનંદ – મંગળ વરતાઈ રહ્યા છે. બાંયાબેન બીડું હોમવાની તૈયારી છે ને હાંફતો રોઝ આવી પૂગ્‍યો, પાછળ હાથમાં ભાલુ લઈને રાજા. બાંયાબેને પડકારો કરી વાર્યો ને ભાલુ છૂટયું. યજ્ઞવેદી પાસે જ રોઝ ઢળી પડયો. બાયાબેનનાં શ્રાપથી રાજા તત્‍ક્ષણ પથ્‍થર બની ગયો. બાંયાબેન સહિત ચારેય બહેનોને સત્‌ ચડયું, બીજી અઢાર ચારણ કન્‍યાઓને પણ સત્‌ ચડયું. સૌએ હાથ જોડી વિનવણી કરી પણ હવે બીજો કોઈ ઉપાય ન હતો. બાવીસ ચીતાઓ પર ‘જય અંબે જય અંબે’ ના ગગનભેદી નાદ વચ્‍ચે યોગાગ્નિ પ્રગટાવી બાવીસેય બહેનો અમરલોક સીધાવ્‍યા. ઢોલી મીર તથા તેની બેસ્ત્રીઓ નિર્જીવ થઈ ઢળી પડયા. આમ એક રાજાનાં અપકૃત્‍યથી હવનાષ્‍ટમીનાં પવિત્ર દિવસે ટેક અને સત્‌ની વેદી પર બાવીસ ચારણ કન્‍યાઓએ બલિદાન આપ્‍યા.

આજે ખાંભીરૂપે બિરાજતી બાવીસી માતાજી ભકતો પર અમીદૃષ્‍ટિ વરસાવતી અનેક પરચા આપે છે. મન વાંછિત ફળ આપે છે.

મંદિર પરીસર પરીચય:

એક સમયે માત્ર બાવીસ ખાંભી ખુલ્લી ભોમમાં હતી. ઉજ્જડ ટીંબા પર યાત્રાએ નીકળેલા સંત શ્રી ધનરાજગીરી અહીં રોકાયા. જગ્‍યાને જાગતી કરી. તેમની વિદાય બાદ હાલમાં મહંત શ્રી રમેશગીરી ધનરાજગીરીએ આ પવિત્ર સ્‍થાનકનો જબરો વિકાસ કર્યો. ભવ્‍ય મંદિર, વૃક્ષોની ઘટાઓ, યાત્રાળુઓ માટે શીતળ પેટા જળ, ઉતારા માટેની સુંદર વ્‍યવસ્‍થા, જમણવાર માટેના હોલ – શકય તમામ આધુનિક સુવિધાઓ છતાં પરીસરનું વાતાવરણ સંપૂર્ણપણે નૈસર્ગિક રહે, તેની ખેવના જોવા મળે છે. આ જગ્‍યામાં ગૌમાતાઓની સેવા, પક્ષીને ચણ અને યાત્રાળુઓને આદર મળે છે. ખળખળ વહેતી વેણુ નદીના તટ પર શ્રી બાવીસી માતાજીના દર્શને અસંખ્‍ય શ્રદ્ધાળુઓ આવે છે.

માતાજીને વંદના:

‘‘કર્મ સંજોગે કોટડા, બની ગઈ યહ બાત,

એનું સ્‍થાનક, આ સમય, પ્રગટ જગ પ્રખ્‍યાત.

બાવીસે બહેનું તહાં સાથોસાથ સોહાય,

મનવાંછિત ફળ પળ મહીં, આપે છે ત્‍યાં આય.

આવે દેશ – વિદેશથી માનતાએ નરનાર,

પ્રિતે બંધાવે પારણાં, એવી માત ઉદાર.

પ્રીતે જઈને પ્રેમથી કરશે દર્શન કોઈ,

ધરશે નૈવેદ્ય ધ્‍યાનથી, રિદ્ધિ સિદ્ધિ સહુ હોઈ.”

– જય શ્રી બાવીસી માતાજી –

આ સમગ્ર વૃતાંત – કથાનું સંશોધન શીવાનાં વિદ્વાન દેવીપુત્ર સ્‍વ. શ્રી કિશનદાનભાઈ લાંગાએ કરેલું છે…

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

0 Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

*

©2019 My Patidar a Proparty of Aadya Enterprise

Privacy Policy  Terms of Service  About Us  Contact us

CONTACT US

We're not around right now. But you can send us an email and we'll get back to you, asap.

Sending

Log in with your credentials

or    

Forgot your details?

Create Account