કનકાઇ માતા અને મંદિરનો ઇતિહાસ

સોરઠની ધરતી આદિકાળથી એના અનુપમ સૌંદર્ય અને વનરાઇઓથી પ્રસિધ્ધ રહી છે.એમાંયે ગિરનાર અને એની ગોદમાં રહેલ અને માઇલો સુધી પથરાયેલ ગીરનું જંગલ…!સિંહ,શૂરા અને સંતોની ભૂમિ તરીકે વિખ્યાત એવી સૌરાષ્ટ્રની ધરતી માટે ગીર એક આભૂષણ છે.જેના વીના સોરઠ સુની જ ભાષે…!

આ જ ગીરની વનરાઇઓમાં અનેક ધર્મસ્થળો આવેલા છે.ગિરનારથી લઇને અમરેલી અને તુલસીશ્યામ સુધીમાં કંઇક ધર્મસ્થળો લીલી વનરાઇઓની વચ્ચે આવેલા છે.જેમાં પછી પરબ હોય,સતાધાર હોય કે ગીર કનકાઇ હોય…!અહિં વાત કરવી છે ગીરની લીલોતરી અને આમ્રકુંજોની ઘટાટોપમાં આવેલા અને જનજનના માનસ પટ પર પ્રકૃતિની અનુપમ આભા આંજી દેતા માતા કનકેશ્વરીના ગીરની મધ્યે આવેલા મંદિર ગીર કનકાઇની…!

આ મંદિર વિશે એમ કહી શકાય કે, પ્રકૃતિ અહીં ખોબલે ખોબલે ઠલવાણી છે. કુદરતે કળશ્યા ભરીને પ્રકૃતિની અહીં લ્હાણી કરી છે. માતા કનકેશ્વરીનું આ મંદિર ગીરની મધ્યે આવેલ છે. અહિં જવા માટે ફોરેસ્ટ ખાતાના બધા નિયમોનું અનુસરણ કરવું પડે છે.પ્લાસ્ટિક કે ઇત્યાદિ કોઇ પણ વસ્તુ ક્યાંય પણ ફેંકવાની સખ્ત મનાઇ છે.વળી,જંગલ મધ્યે રસ્તા પર ક્યાંય વાહન રોકવાની મનાઇ છે.ગીરનો આ સેન્ટ્રલ ઝોન છે.વન્યજીવોનો પણ આ બહુચર્ચિત ઇલાકો છે,રાત્રે અહિં નીકળાતું નથી ! ડાલામથ્થાઓ સદાય આંટા દે છે…! એવી અલભ્ય ભવ્યતાની મધ્યે આ મંદિર વસેલ છે.

સોરઠની ધરતી પર અને ગિરનારના વિશાળ ફલકની આસપાસ માઇલો સુધી ફેલાયેલા ગીરના જંગલમાં માતા કનકાઇનું આ મંદિર અવેલ છે.તુલસીશ્યામથી ૨૨ કિલોમીટર દુર આવેલ આ મંદિર એ ખરેખર વનરાઇઓની છાંયાથી છવાયેલ અને અલગ જ વાતાવરણ ધરાવતું મનોહર સ્થળ છે.અહિં આવીને તમે ભુલી જાઓ કે તમે આ કઇ દુનિયામાં છો….! એવી મનોહર પ્રકૃતિ કલકલ વહેતી નદીઓ અને વનરાઇઓમાંથી આવતો મોરલાનો ગહેકતો મલાર….! અને એમાંયે ચોમાસામાં તો આ સ્થળની પ્રકૃતિ ખરેખર અદ્ભુત સૌંદર્ય પાથરી દે છે.અનન્ય ! કલકલ વહેતાં ઝરણાંના નાદો અને પંખીઓનો ગહેકાટ ! વળી,મંદિરની પરીસરમાં આવેલ ગાયો….! અનુપમ સૌંદર્ય….! અહિંથી સાસણ પણ નજીક છે અને અમરેલી ૭૫ કિમી જેટલું દુર છે.વનસંરક્ષક વિભાગ દ્વારા અહિં “એન્ટર” થયાં પછી ગીરના જંગલમાં ક્યાંય પણ કચરો ફેંકવાની મનાઇ છે.અને એવી જ રીતે રાતે રસ્તા પર વાહન ચલાવવાની મનાઇ છે.અહિં શિંગવડો અને સેજલ નદિઓ વહે છે.જેમાંથી શિંગવડો બાદમાં કોડિનાર બાજુ આવે છે.

કનકાઇ માતા અને મંદિરનો ઇતિહાસ

માં કનકાઈનો જે ઈતિહાસ લોકકંઠે ગવાય છે તે મુજબ ઈસુની આઠમી સદીમાં થયેલા વનરાજ ચાવડાનાં પરિવારમાં કનક ચાવડા નામનો એક રાજા થઇ ગયો. તેણે ક્નકાઈ (કનકાવતી) નગરીની સ્થાપના કરી હતી. માં કનકાઈને આ નગરીના અધિષ્ઠાત્રી દેવી તરીકે સ્થાપ્યા હતાં.

બીજી એક લોકવાયકા એવી પણ છે કે, વળાના મૈત્રક વંશનાં મુળ પુરુષ કનકસેન અયોધ્યાનાં સુર્યવંશી રાજવી હતાં. તેણે સૌરાષ્ટ્રમાં વીરનગરમાં આવીને પરમાર રાજાને હરાવ્યો હતો. અને વંશજ વિજયસેને વિજયપુર (ધોળકા) વસાવ્યું. વિજયસેનનાં વંશજ ભટ્ટાર્કે વલભીપુરની સ્થાપના કરી.જે બાદમાં મૈત્રકવંશની રાજધાની બનેલ અને તેના પર વલ્લભીરાજાઓ એ રાજ કરેલ.જેમાં સાત શિલાદિત્યનો પણ સમાવેશ થાય છે.મૈત્રકવંશનો છેલ્લો રાજા શિલાદિત્ય સાતમો હતો.જેના પર સિંધના બાર્બેરિયનોએ આક્રમણ કરેલ અને વલ્લભીધ્વંશ થયેલો.બાદમાં,મૈત્રકવંશ અસ્ત પામ્યો.પણ આ વાત એ પહેલાની છે.જ્યારે વિજયસેને ધોળકા વસાવ્યું ત્યારે કનકસેને મધ્ય ગિરમાં આવીને કનકાવતી નગરી વસાવી. આથી તેને શહેરના અધિષ્ઠાત્રી દેવી તરીકે માં કનકાઈની સ્થાપના કરી હતી.

શ્રી કનકાઈ મંદીરની જે તે સમયે સ્થાપના થયા પછી કાળબળની થપાટે જીર્ણ થયેલાં આ મંદીરને ઘણા બધા સમયના વ્હાણા વિતી ગયા. આ કનકાઈ મંદીરનો સૌપ્રથમ જીર્ણોધાર સંવત ૧૮૬૪ માં કરવામાં આવ્યો હતો. આ જીર્ણોધાર કોણે કરાવ્યો તેની ખાસ કાંઈ માહિતી નથી. ત્યાર બાદ લગભગ ૧૪૨ વર્ષ જેટલો સમય ચાલ્યો ગયો. લોકોમાં વધારે જાગૃતિ આવી અને ફરીથી આ મંદીરનો જીર્ણોધાર કરવા માટે વિક્રમ સંવત ૨૦૦૬માં એક સમિતિ ની રચના કરવામાં આવી. ત્યાર બાદ આ સમિતિએ જરૂરી ખર્ચની રકમ ભેગી કરી મંદીરનું કામ ચાલુ કર્યુ. અને સંવત ૨૦૦૮ એટલે કે તારીખ ૦૩/૦૩/૧૯૫૨ ને દિવસે ઉત્સાહભર્યા વાતાવરણમાં જે મુર્તિ જુના મંદીરમા હતી તે જ મુર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.જે નિમિત્તે ઘણાં જ ભાવિકોની ઉપસ્થિતી હતી.

મંદિરદર્શન

શિખરબંધ મુખ્ય મંદીરમાં શ્રી કનકેશ્વરી માતાજી બિરાજમાન છે. તેમજ આ સ્થાનકમાં શિવ, ગણેશ અને હનુમાનનાં મંદીરો પણ આવેલા છે. મંદીરની બરાબર નીચે શીગવડો નદી વહે છે. માતાજીના મંદીર પાછળ ભુદરજીનું મંદીર છે. તેની બાજુમાં પાંચેક પાળીયા ઉભા છે. આમ આ સ્થાનકનાં કનકેશ્વરી માતાજીને ઉનેવાળ બ્રાહ્મણ, આહિર, દરબાર અને મહારાષ્ટ્રનાં કીર્તિકર બ્રાહ્મણો કુળદેવી તરીકે પુજે છે. પ્રભાસક્ષેત્રનાં કેટલાક પુરોહિતો પણ કનકાઈ માતાજીને કુળદેવી તરીકે પુજે છે. કનકાઈ માતાજીના અન્ય મંદીરો અમરેલી જિલ્લામાં ચાવંડ, મહુવા પાસે તરેડ, સુત્રાપાડા પાસે વડોદર અને ભરૂચ પાસે શુકલતીર્થ માં આવેલા છે. આ કનકાઈ મંદીરમાં ચૈત્ર માસની નવરાત્રીનો તહેવાર ધામ ધુમથી ઉજવવામાં આવે છે. તેમજ પાંચમ થી આઠમ સુધીમાં ઘણા ભક્તો દર્શને આવે છે.

આ સ્થાનકમાં મંદીરોની ઉપરના ભાગમાં મોટું મેદાન આવેલુ છે.જે મેદાન છે તેમાં બે બાજુ ફરતી ધર્મશાળાઓ બાંધવામા આવેલ છે. ઘણા સમય પહેલા આ મંદીરની જાળવણી માટે ટ્રસ્ટ્રની રચના કરવામા આવેલી છે. જેના પ્રયત્નોથી મદીરમાં રાત્રિ રોકાણ માટે રહેવાની સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ સ્થળના દર્શને આવેલ યાત્રિકોને સાંજના ૬ વાગ્યા પછી હિંસક પ્રાણીઓનાં ડરથી જગ્યામાં રોકી દેવામાં આવે છે. આમ આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપુર છે જેથી કુદરતનાં ખોળે આળોટવા એક વખત દર્શને આવવું જોઈએ.કુછ દિન તો ગુજારો ગુજરાત-ગીરમેં..! આ અલભ્ય પ્રકૃતિ બીજે નહિં મળે! આ મંદિરની ખાસિયત માં કનકાઇના દર્શન ઉપરાંત અહિની અલભ્ય પ્રકૃતિ છે.જેના દર્શન માટે ભાવિકો આવે છે. જીંદગીની ધાંધલમાંથી પળભર કુદરતના ખોળે આળોટવા..!

|| જય માં કન્કેશ્વરી ||

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

0 Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

*

©2019 My Patidar a Proparty of Aadya Enterprise

Privacy Policy  Terms of Service  About Us  Contact us

CONTACT US

We're not around right now. But you can send us an email and we'll get back to you, asap.

Sending

Log in with your credentials

or    

Forgot your details?

Create Account