અમે માનવસેવાના કોઇપણ કાર્યમાં રાજનીતિ કરી નથીઃ નીતિન પટેલ

Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં જન્મતું પ્રત્યેક બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહે એ માટે અમારા સંનિષ્ઠ પ્રયાસો છે અને રહેશે જ. રાજ્ય સરકારના સઘન પ્રયાસોના પરિણામે છેલ્લા ત્રણ વર્ષમાં બાળ મૃત્યુ દરમાં ક્રમશ: ઘટ્યો છે. જે અમારી બાળકોના આરોગ્યની સંભાળ પ્રત્યેની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતાને પરિણામે શક્ય બન્યું છે.

નીતિન પટેલે ઉમેર્યું કે, રાજ્યની રાજકોટ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલોમાં જે બાળ મૃત્યુ થયા છે તે ઘટનાને રાજ્ય સરકારે અત્યંત સંવેદનશીલતાથી લીધી છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ બનાવ સંદર્ભે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને ભવિષ્યમાં આવા બનાવ ન બને એ માટેની પૂરતી તકેદારી રાખવા પણ સૂચનાઓ આપી છે.

નીતિન પટેલે કહ્યું કે, રાજકોટ અને અમદાવાદના બનાવ સંદર્ભે ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા સહિતના કોંગ્રેસી નેતાઓ દ્વારા બનાવ પ્રત્યે સંવેદના દાખવવાના બદલે રાજનીતિ કરીને રાજકીય મુદ્દો બનાવીને અભ્યાસ વગરના જે નિવેદનો કર્યા છે તે તદ્દન પાયાવિહોણા છે. તેમણે ઉમેર્યું કે, વિપક્ષના નેતા દ્વારા રાજ્યમાં 30 ટકા જન્મતા બાળકો મૃત્યુ પામે છે એ નિવેદન ચોક્કસ અભ્યાસ વગરનું અને રાજ્ય સરકારને બદનામ કરવાનું છે. તેમણે જો અમારી કામગીરીમાં ક્યાંય કચાશ હોય તો તે સંદર્ભે સૂચનો કર્યા હોત તો અમને ગમત. અમે માનવસેવાના કોઇપણ કાર્યમાં રાજનીતિ કરી નથી અને કરવાના પણ નથી. રાજસ્થાનની ઘટનાનો ઢાંક પિછોડો કરવા માટે ગુજરાત કોંગ્રેસે બેબુનિયાદ નિવેદનો કર્યા છે તે અત્યંત દુ:ખદ અને નિંદનીય છે.

નીતિન પટેલે ઉમેર્યું કે, રાજસ્થાનની કોટા હોસ્પિટલ ખાતે અદ્યતન સુવિધાવાળા સાધનો નથી અને જે સાધનો ઉપલબ્ધ છે તેમાંથી મોટા ભાગના બંધ હાલતમાં છે. આવી ગંભીર બેદરકારીના પરિણામે બાળકોના મૃત્યુ થયા છે. જેની સામે ગુજરાતમાં અમદાવાદ, સુરત, જામનગર, રાજકોટ, ભાવનગરમાં SNCUમાં300થી વધુ પથારીઓ ઉપલબ્ધ છે અને તે તમામ યુનિટોમાં વેન્ટીલેટર, વોર્મર, એક્ષરે મશીન ચાલુ હાલતમાં છે. આ ઉપરાંત આ સિવિલ હોસ્પિટલોમાં નેબ્યુલાઇઝર, ફોટોથેરાપી, સક્શન મશીન, ઇન્ફ્યુઝન પંપ, મલ્ટીપારા મશીન, પલ્સ ઓક્સીમીટર મશીન, એબીજી મશીન અને બીલીરૂબીન મશીનની સેવાઓ ઉપલબ્ધ છે. જેના પરિણામે ત્રણ વર્ષમાં બાળમૃત્યુ દરમાં ઘટાડો થયો છે. વર્ષ 2016-17માં 45,935 અતિ ગંભીર બાળકો સારવાર માટે દાખલ થયા હતાં. તે પૈકી 14.8 ટકા બાળકોના મોત થયા છે. તેજ રીતે વર્ષ 2017-18માં 47,499 બાળકો દાખલ થયા હતાં તે પૈકી 15.8 ટકા બાળમૃત્યુ, વર્ષ 2018-19માં 49,982 બાળકો દાખલ થયા હતા તે પૈકી 15.3 ટકા બાળમૃત્યુ અને ચાલુ વર્ષે 42,736 બાળકો દાખલ થયા છે તે પૈકી 12 ટકા જેટલા બાળમૃત્યુ નોંધાયા છે એટલે કે ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરણ કરતાં ઓછા બાળકો મૃત્યુ પામે છે એટલે કોંગ્રેસ દ્વારા કરાયેલા આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે.

નીતિન પટેલે ઉમેર્યું કે, રાજ્યમાં જન્મતા બાળકોને ત્વરિત સારવાર મળી શકે એ માટે અમારા સંનિષ્ઠ પ્રયાસો છે. જ્યાં પણ ડોક્ટર, પેરા મેડિકલ સ્ટાફ સહિતની ઘટ હોસ્પિટલોમાં હશે એ માટે નેટવર્ક ઉભું કરવામાં આવશે તેમજ જે હોસ્પિટલોમાં સારવાર માટેના મશીનો બંધ થાય તો ત્વરિત ચાલુ થાય તે માટે અલાયદા “ટેકનીકલ સેલ”ની રચના કરાશે. જેનું સીધું મોનીટરીંગ આરોગ્ય સચિવ દ્વારા કરવામાં આવશે અને બંધ થયેલ મશીનો ત્વરિતપુન: કાર્યરત થાય એ માટેના સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવશે જેથી કરીને નાગરિકોને આરોગ્ય સેવાઓ અવિરતપણે પહોંચાડી શકાય તેમ તેમણે ઉમેર્યું હતું.


Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •