આનંદીબહેન પટેલ ગુજરાતના રાજકારણમાં પાછા આવી રહ્યા છે?

રાજકારણ પણ કોઈ ચોક્કસ ગણિત અને નિયમોને આધીન ચાલતુ નથી. આપણે હમણાં મહારાષ્ટ્રમાં જોઈ રહ્યા છીએ તે પ્રમાણે બધુ બાજુ ઉપર મુકી જેના હાથમાં લાઠી તેની સત્તા તેવુ દેખાઈ રહ્યુ છે. પણ મહારાષ્ટ્રનો મામલો શાંત પડે ત્યાર પછી મહારાષ્ટ્રના પડોશી રાજય ગુજરાતમાં નવા જુની થવાના એંધાણ મળી રહ્યા છે. અમિત શાહ વિરોધી જુથની જાણકારી પ્રમાણે અમિત શાહની વિજય રૂપાણી ફોર્મ્યુલા ગુજરાતમાં નિષ્ફળ સાબિત રહી છે. આનંદીબહેનના કટ્ટર રાજકીય હરીફ રહેલા અમિત શાહે પોતાનું ધાર્યું નરેન્દ્ર મોદી પાસે કરાવી આનંદીબહેનને રાજયપાલ બનાવ્યા. વિજય રૂપાણીને સત્તાની ધરોહર સોંપી. પણ તાજેતરમાં થયેલી પેટા ચુંટણીના પરિણામ પછી ગુજરાત સરકારમાં અને સંગઠનમાં ફેરફારના એ્ંધાણ મળી રહ્યા છે. જેમાં ફરી આનંદીબહેન પટેલને ગુજરાતમાં લાવી ભાજપ પોતાનું ઘટી રહેલુ વજન વધારવા માગે છે. જો કે ભાજપમાં કોઈ પણ આ વાતનું સત્તાવાર સમર્થન કરતા નથી પરંતુુ ભાજપની મઝા તો એવી છે કે મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલનું નામ જાહેર થયા પછી વિજય રૂપાણી મુખ્યમંત્રી થઈ જાય. તે ભાજપમાં આનંદીબહેન પટેલનું રાજ્યમાં પાછા ફરવુ કઈ આશ્ચર્યજનક બાબત નથી.

નરેન્દ્ર મોદીએ પોતાના ખાસ અમિત શાહ અને આનંદીબહેન પટેલ વચ્ચે સતત સમતુલન જાળવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીની ગેરહાજરી બાદ આનંદીબહેન પટેલને શાસન સોંપવામાં આવ્યુ હતું. જો કે આનંદીબહેન પટેલના શાસનમાં અમિત શાહનો પોતાના હોમ ગ્રાઉન્ડમાં દબદબો ઓછો થયો, તે તેમને હરગીજ મંજુર ન્હોતુ. આખરે અમિત શાહ પોતાની વાત મનાવવામાં સફળ થયા. આનંદીબહેન રાજયપાલ થઈ ગયા. 2017માં વિજય રૂપાણીના નેતૃત્વમાં વિધાનસભાની ચુૂંટણી થઈ અને સત્તા તો મળી પણ બેઠકો ખાસ્સા ઘટી. જો કે બીજી તરફ કોંગ્રેસ અને હાર્દિકના આક્રમણ વચ્ચે પણ સત્તા જાળવવી મુશ્કેલ બાબત હતી જેનો યશ વિજય રૂપાણીને આપવો જ રહ્યો. સવભાવે શાંત અને સરળ વ્યકિતત્વ ધરાવતા વિજય રૂપાણીની સરકાર ઉપર પક્કડ નથી અને અધિકારીનું રાજ શરૂ થઈ ગયુ છે, તેવું વિજય રૂપાણીના વિરોધીઓ માને છે. 

વિજય રૂપાણી ભલે મુખ્યમંત્રી હોય સુપર સીએમ તો અંજલી રૂપાણી છે, તેવો આરોપ પણ થઈ રહ્યો છે. બીજી તરફ પેટા ચૂંટણીમાં છમાંથી ત્રણ બેઠકો ભાજપ હારી ચુકયુ છે. જે વિજય રૂપાણીના વિરોધીઓ માટે બહુ મહત્વની ઘટના છે. તેઓ આ પરિણામ માટે એક માત્ર રૂપાણી શાસનને જવાબદાર માની રહ્યા છે. ખાસ કરી શહેરી વિસ્તારમાં છેલ્લાં ત્રણ દાયકાથી ભાજપનો દબદબો રહ્યો હતો તે હવે ઘટી રહ્યો છે તેવું પણ રૂપાણીના વિરોધીઓ માને છે. પેટા ચુંટણીમાં અમદાવાદની અમરાઈવાડી બેઠક જે ગત ચુંટણીમાં પચાસ હજારની લીડથી જીત્યા હતા તે પેટા ચુંટણીમાં જીતતા નાકે ફીણ આવી ગયા હતા. માત્ર પાંચ હજાર મતે જીત્યા હતા. શહેરી વિસ્તાર માટે આ પરિણામ ભાજપ માટે ચેતવણી સમાન છે.

વિજય રૂપાણીના વિરોધી માનેે છે કે નજીકના સમયમાં માત્ર વિજય રૂપાણી માટે રાજકીય ધાત છે તેવુ નથી પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું પરફોર્મન્સ પર પણ સવાલો છે.  અમિત શાહ અમદાવાદ આવ્યા ત્યારે તેમણે જીતુ વાઘાણી સામે નારાજગી પણ વ્યકત કરી હોવાની વાત બહાર આવી હતી. આમ નજીકના સમયમાં સરકાર અને સંગઠનમાં ફેરફાર થશે તે નિશ્ચિત છે. જો કે વિજય રૂપાણીને બચાવી લેવા માટે અમિત શાહ પુરતા પ્રયત્ન કરશે. પણ અમિત શાહ ગુજરાતમાં થઈ રહેલા ધોવાણને અટકાવવા કઈ કરશે નહીં, તે પણ માની શકાય નહીં. ગુજરાતમાં ભાજપમાં ફરી પ્રાણ પુરવા માટે આનંદીબહેન પટેલને ફરી પાછા ગુજરાત લાવવામાં આવે તેવી શકયતાઓની પણ વિચારણા થઈ રહ્યા હોવાની જાણકારી મળી રહી છે.

(પ્રશાંત દયાળ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *