ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા બે દિવસની ગુજરાતની મુલાકાતે

ગુજરાત ભાજપના નેતા નવા મિત્રોને ગળે લગાવો, ૧૫૧ બેઠકોનું અધૂરું લક્ષ્યાંક ૨૦૨૨માં પૂરું કરો:  નડ્ડા

ગુજરાત સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણની વકી વચ્ચે રાજ્યની બે દિવસની મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ ગુજરાત ભાજપના નેતાઓને સલાહ આપી છે કે પાર્ટીમાં નવા આવનારા લોકોને ગળે લગાડો. ગુરુવારે જ ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળમાં મળનારા સ્થાનથી મૂળભૂત ભાજપના નેતાઓમાં વ્યાપેલી નારાજગીને ઠારવા માટે નડ્ડાએ આ સૂચના આપી હતી. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 151 બેઠકોનું લક્ષ્યાંક પૂરું થઇ શક્યું નહીં પણ હવે 2022માં પૂરું કરવા માટે નડ્ડાએ ગુજરાત ભાજપના નેતાઓને જણાવ્યું છે.

​​​​​​​ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં તથા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્રજી યાદવ, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી. સતીષજી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપના વરિષ્ઠ નેતા સુરેન્દ્રભાઇ પટેલ તથા ભાજપના પ્રદેશ મહામંત્રીઓની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી. જે.પી.નડ્ડા જણાવ્યું હતું કે, આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપનો આપણે એક હિસ્સો છીએ. જનસંઘ સમયથી લાખો કાર્યકર્તાઓએ રાતદિવસ જોયા વિના અથાગ પરિશ્રમ કર્યો છે. તે સમયના કાર્યકર્તાઓની મહેનત અને અવિરત પ્રયાસોનું પરિણામ આજે આપણે સૌ જોઇ રહ્યા છીએ.

ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પ્રદેશકક્ષાની સંગઠનાત્મક બેઠકમાં તેમના પ્રેરક સંબોધનમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતના આ બે દિવસીય પ્રવાસ દરમ્યાન ઓછા સમયમાં વધુમાં વધુ કાર્યકર્તાઓને મળવાનું આયોજન ગુજરાતની ટીમ ભાજપ દ્વારા કરવામાં આવ્યુ છે તેના માટે હું સૌને ધન્યવાદ પાઠવું છું. આ બેઠકમાં ગુજરાત ભાજપના જમીની સ્તર પર જોડાયેલા કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. ઉપરાંત ભાજપની નીતિરીતિને જમીની સ્તર પર કાર્યરત કરવાવાળી ટીમ પણ આજ છે. સાચા અર્થમાં સમગ્ર ગુજરાતમાં ભાજપની વિચારધારા વ્યાપક રીતે પ્રસારનાર આ ગુજરાત ભાજપ ટીમને મળીને ખુબજ હર્ષની લાગણી અનુભવું છું.

નડ્ડાએ જણાવ્યુ હતુ કે, આપણે સૌ ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપનો આપણે એક હિસ્સો છીએ. જનસંઘના સમયની પરિસ્થિતિનો ચિતાર આપતા નડ્ડાએ જણાવ્યુ હતુ કે, આજથી ૪૦ વર્ષ પૂર્વ સતત હારવા છતા પણ આપણા કાર્યકર્તાઓ અવિરત પણે ચૂંટણીઓનો સામનો કરતા હતા. જનસંઘ અને દિપના નિશાન માટે લાખો કાર્યકર્તાઓએ રાતદિવસ જોયા વિના અથાગ પરિશ્રમ કર્યો છે. તે સમયના કાર્યકર્તાઓની મહેનત અને અવિરત પ્રયાસોનું પરિણામ આજે આપણે સૌ જોઇ રહ્યા છીએ. સ્વ. અટલ બિહારી બાજપાઇની પ્રથમવાર પ્રધાનમંત્રી તરીકેની શપથવિધિ સમયે અનેક કાર્યકર્તાઓ ભાવુક બન્યા હતા. જેમાં કાર્યકર્તા અને ભાજપનો અતૂટ લાગણીના સબંધ પ્રતિપાદિત થાય છે.

નડ્ડાજીએ જણાવ્યુ હતુ કે, ભાજપ આજે વિશ્વસ્તરે સૌથી મોટી રાજકિય પાર્ટી બની છે સાથે સાથે સૌથી વધુ રાજ્યોમાં સરકાર રૂપે કાર્યરત છે. તેઓએ જણાવ્યુ હતુ કે, કેન્દ્રિય ગૃહ મંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હંમેશા કહે છે કે ભાજપને સર્વોચ્ય સુધી પહોંચવાનું હજી બાકી છે. વર્તમાન સમયમાં યોગ્ય દિશામાં યોગ્ય કાર્ય કરવા માટે અને લોકોની ચિંતા કરતો પક્ષ ભાજપ બન્યો છે. આવનારા દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સ્તરે કરેલી ભારતની કાયાપલટ અને ભાજપમાં લોકોનો અતુટ વિશ્વાસ જેવા મુદ્દાઓ પર સંશોધનો કરવામાં આવશે.

નડ્ડાએ ભાજપની અંત્યોદયની વિચારધારાને વ્યાપક બનાવવાના નિર્ધાર સાથે જણાવ્યુ હતુ કે, ભાજપ ગરીબો, શોષિતો અને વંચિતો માટે સદાય ચિંતા કરનારી પાર્ટી રહી છે. આજે ભાજપની કેન્દ્ર તથા રાજ્યની સરકારો સર્વસ્પર્શી અને લોકકલ્યાણકારી યોજનાઓ વ્યાપક પણે જનજન સુધી પ્રસરે તે માટે કટિબધ્ધ છે. આ બાબત કેન્દ્ર સરકારના હાલમાં જ રજુ થયેલા બજેટમાં સ્પષ્ટ જોઇ શકાય છે. ભારત ૫ ટ્રીલીયનની ઇકોનોમી બનવા તરફ અવિરતપણે આગળ વધી રહ્યુ છે. સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભારતના પ્રત્યેક નાગરિકની સુખાકારીની ચિંતા કરવાની સાથે વૈશ્વિક સ્તરે ભારતની અલગ ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સતત કાર્ય કરી રહ્યા છે. આ તબક્કે સમગ્ર દેશના અને ખાસ કરીને ગુજરાતના ભાજપના કાર્યકર્તાઓની જવાબદારી સવિશેષ વધી જાય છે.

આજે સમગ્ર દેશ પ્રત્યેક ઘટનાઓ, પ્રત્યેક પરિણામો અને પ્રત્યેક વિકાસકાર્યોને લક્ષ્યમાં લઇને ગુજરાત તરફ મીટ માંડીને બેઠો છે. સમગ્ર દેશના માર્ગદર્શક રાજ્ય તરીકેની ભૂમિકા ગુજરાત ભજવી રહ્યુ છે. ગત ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલ ભવ્ય વિજય બાદ ગુજરાતના વિકાસ મોડેલને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યું છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં પણ ભાજપને ઐતિહાસિક વિજય મળ્યો છે. સાથે સાથે વોટશેર પણ વધ્યો છે. આ સફળતાના સારથી આ સૌ કાર્યકર્તાઓ છો. ભાજપ એ કાર્યકર્તાઓની પાર્ટી છે અને વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમોથી કાર્યકર્તાઓનું ઘડતર થાય છે. સદસ્યતા વૃધ્ધિ અભિયાન એ કાર્યકર્તાઓના ઘડતર અને કાર્યક્ષમતામાં વધારો કરવા માટે એક ઉત્તમ અવસર છે. સમાજના દરેક વર્ગ સુધી સર્વસ્પર્શી અને સર્વવ્યાપક આ અભિયાન બને તે માટે આપણે સૌ કટિબધ્ધ થઇએ.

નડ્ડાજીએ વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપ સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી લોકકલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓ અને લોકોને તેનાથી મળેલો સીધેસીધો લાભને કારણે ગત લોકસભા ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને જનતાનો પ્રચંડ જનાદેશ મળ્યો છે. પાર્ટી અને જનતા વચ્ચેનું માધ્યમ એટલે કાર્યકર્તા. સરકારની તમામ લોકોને સ્પર્શતી, લાભદાયી યોજનાઓ જનજન સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનું દાયિત્વ કાર્યકર્તાનું છે.

નડ્ડાએ જણાવ્યુ હતુ કે, કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા લોકોની જીવનશૈલી સુધારવા સાથે તેઓના સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો છે તેની નોંધ વૈશ્વિક સ્તરે લેવાઇ છે. વિશ્વના ઘણાખરા દેશોની જેટલી કુલ વસ્તી છે તેના કરતા વધુ લાભાર્થીઓ આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળવાનો છે. આજે આયુષ્યમાન ભારત યોજનાની ગણના વિશ્વની સૌથી મોટી હેલ્થકેર સ્કીમમાં થાય છે.

નડ્ડાએ ભારતની વૈશ્વિક સ્તરે બદલાયેલી છબીને ઉજાગર કરતા જણાવ્યુ હતુ કે, રશીયા, સાઉથ કોરિયા, અફઘાનિસ્તાન અને સાઉદી અરેબીયા દ્વારા તેના સર્વોચ્ચ સન્માન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રના જનરલ સેક્રેટરી દ્વારા દિલ્હી ખાતે ચેમ્પીયન ઓફ ધ અર્થ સન્માનથી નરેન્દ્ર મોદીને નવાજવામાં આવ્યા છે. આ બધી બાબતો વિશ્વનો ભારત પ્રત્યેનો બદલાયેલો દ્રષ્ટિકોણ દર્શાવે છે. નડ્ડાએ અંતમાં જણાવ્યુ હતુ કે, સર્વસમાવેષક નીતિઓ મહદ્ અંશે સમાજના દરેક સ્તરે પ્રસરે અને વિચારધારાનો વ્યાપ વધે તે આપણી પ્રાથમિકતા હોવી જોઇએ. સૌ સાથે મળીને પાર્ટીને યશસ્વી બનાવીએ. દેશ ખુશહાલ બને અને ગૌરવથી કહી શકીએ કે અમે ભારતીય છીએ.

0 Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

*

©2019 My Patidar a Proparty of Aadya Enterprise

Privacy Policy  Terms of Service  About Us  Contact us

CONTACT US

We're not around right now. But you can send us an email and we'll get back to you, asap.

Sending

Log in with your credentials

or    

Forgot your details?

Create Account