અભિમન્યુ મિથુનનો તરખાટ : મુસ્તાક અલી ટી-20માં એક ઓવરમાં પાંચ વિકેટ

ભારતના ૩૦ વર્ષીય ફાસ્ટ બોર અભિમન્યુ મિથુને સુરતમાં રમાયેલી સૈયદ મુસ્તાક અલી ટી-૨૦ની મેચમાં કર્ણાટક તરફથી રમતમાં હરિયાણા સામેની સેમિ ફાઈનલમાં સપાટો બોલાવતા એક જ ઓવરમાં હેટ્રિક સહિત પાંચ વિકેટ ઝડપી હતી. મિથુને મેચની આખરી ઓવરમાં પહેલા ચાર બોલ પર વિકેટ ઝડપી હતી. આ પછી તેણે એક વાઈડ નાંખ્યો હતો અને ત્યાર બાદ એક રન આપ્યો હતો. જે પછી મેચના આખરી બોલ પર પણ તેણે વિકેટ ઝડપી હતી. આમ તેણ એક જ ઓવરમાં બે રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.

સુરતમાં રમાયેલી ટી-૨૦માં કર્ણાટકે ૮ વિકેટથી હરિયાણાને હરાવ્યું હતુ. હરિયાણાએ ૮ વિકેટે ૧૯૪ રન ફટકાર્યા હતા. જ્યારે કર્ણાટકે ૧૫ ઓવરમાં જ બે વિકેટે ૧૯૫ રન કરતાં જીત હાંસલ કરી હતી. નોંધપાત્ર છેકે, મિથુન વિજય હઝારે ટ્રોફીની ફાઈનલમાં પણ હેટ્રિક ઝડપી ચૂક્યો છે. 

મિથુનની આખરી ઓવરનો જાદુ

મિથુનની આખરી ઓવર શરૃ થઈ, ત્યારે હરિયાણાનો સ્કોર ૧૯૨/૩ હતો. તેણે પહેલા બોલ પર હિમાંશુ રાણાને (૬૧) મયંક અગ્રવાલને હાથે કેચઆઉટ કરાવ્યો હતો. તે પછીના બોલ પર રાહુલ તેવટિયા (૩૨)ને કરૃન નાયરના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ત્રીજા બોલ પર તેણે સુમિત કુમારને રોહન કદમના હાથે કેચઆઉટ કરાવીને હેટ્રિક પુરી કરી હતી. તેણે હરિયાણાના કેપ્ટન અમિત મિશ્રાને ગોવ્થમના હાથે કેચઆઉટ કરાવતા ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી હતી. આ પછી તેણે વાઈડ નાંખ્યો હતો અને ત્યાર બાદ એક રન આપ્યો હતો. જોકે આખરી બોલ પર તેણે જયંત યાદવને રાહુલના હાથે કેચ આઉટ કરાવતા એક જ ઓવરમાં પાંચવિકેટ ઝડપી હતી. 

કર્ણાટકની ટીમ ફાઈનલમાં પ્રવેશી

કર્ણાટકે ટોસ જીતીને હરિયાણાને બેટીંગમાં ઉતાર્યું હતુ. હરિયાણાએ હિમાંશુ રાણાના ૬૧ અને બિશ્નોઈના ૫૫ની મદદથી ૮ વિકેટે ૧૯૪ રન કર્યા હતા. મિથુને ૩૯ રનમા પાંચ વિકેટ ઝડપી હતી. જવાબમાં કર્ણાટકે દેવદત્ત પડિક્કલના ૮૭ તેમજ રાહુલના ૬૬ની મદદથી ૧૫ ઓવરમાં બે વિકેટે ૧૯૫ રન કર્યા હતા.