ઇન્ટરવ્યૂ / ક્રિકેટ રમે એને ક્રિકેટર થવાની ઇચ્છા હોય તેમ દરેકની ઈચ્છા, લાગણી હોય:નીતિન પટેલ

Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  


નીતિન પટેલે કહ્યુ- હું નારાજ થયો જ નથી. જે વખતે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીની જાહેરાત થઇ કે તરત જ હું કામમાં જોડાઇ ગયો. અમે બધા હળીમળીને સતત કામ કરીએ જ છીએ

Jan 06, 2020, 04:27 AM IST

અમદાવાદ: ગુજરાતમાં ભાજપની સરકાર રચાઈ ત્યારથી નીતિન પટેલ સરકાર કે પક્ષમાં મહત્ત્વનો હોદ્દો ધરાવે છે. માર્ગ-મકાન, નાણા, હેલ્થ જેવા મહત્ત્વના વિભાગો પર તેમની પકડ છે. એક તબક્કે મુખ્યમંત્રી પદ માટે નીતિનભાઈનું નામ ફાઇનલ ગણાતું હતું. દિનેશ જોષી સાથેની મુલાકાતમાં નીતિન પટેલે આ ઘટના ઉપરાંત વિવિધ વિષય પર સવાલોના જવાબ આપ્યા હતા. વાંચો ઇન્ટરવ્યૂ…

નીતિન પટેલ- હમણાં જે આંકડા જાહેર થયા તે અંગે મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ અને અન્ય સિનિયર અધિકારીઓ સાથે ચર્ચા કરી, દરેક વિભાગ પાસેથી માહિતી માગી છે. પ્રાથમિકરીતે એમ કહેવાય કે જે વિભાગે માહિતી આપી છે તે અમારા વિભાગની અપડેટેડ માહિતી, છેલ્લામાં છેલ્લી તાજી માહિતી સરવેમાં લેવાઇ નથી અને જુના આંકડા આધારિત ગુજરાતની સરખામણી કરાઈ છે. એટલે ભૂલ ભરેલા અને જુના આંકડા હોય તે સ્વાભાવિક છે કે આખો સરવે અને તેના અહેવાલનો અભ્યાસ કરવો જોઇએ.
ભાસ્કર- ગુજરાત દેવાદાર રાજ્ય છે. દેવું કે રાજ્યની નાણાકીય સ્થિતિ શું છે?
નીતિન પટેલ- દેશનો વિકાસ કરવા, રાજયનો વિકાસ કરવા નાના મોટા દેવા થતા હોય છે. દાખલા તરીકે ગુજરાતે પોતાની આવકના જોરે નર્મદા સહિત મોટા મોટા પ્રોજેકટ પુરા કર્યા. પ્રજાની સુવિધા વધારવા બધુ કરવું પડે. સરકારની કરવેરાની આવક છે તે આવક ખર્ચ અને પગારમાં જ જતી રહે. કોઇ વિકાસના કામ થાય નહીં. સગવડો ન મળે. આ કરવા માટે દેવું કરવાનું હોય છે.
ભાસ્કર- આપણે વાઈબ્રન્ટ સ્ટેટ પણ સામાન્ય માણસ મોંઘવારીથી પીડાય છે.
નીતિન પટેલ- હું કોઇ અર્થશાસ્ત્રી નથી, પણ મારી દષ્ટિએ બે પ્રકારના ભાવ વધારા થતા હોય છે એક હંગામી ભાવ વધારો, એક લાંબા ગાળાના કાયમી ભાવ વધારા. ખેડૂતોએ હજારો એકરમાં શાકભાજી કરી હોય તે નાશ પામે એટલે બજારમાં ઓછી આવે, ઓછી આવે એટલે તેના ભાવ વધે આ ટેમ્પરરરી ભાવ વધારો થયો. ડુંગળી તેનું ઉત્તમ ઉદાહરણ છે.
ભાસ્કર- પાટીદાર આંદોલન પુરું થઇ ગયા પછી પણ તમે સરકાર, પાર્ટીનો પાટીદાર ફેસ છો જ. પણ પાટીદાર આંદોલન વખતે તમે ટ્રબલ શુટર કહેવાતા અને હવે 2017 પછી તમે સરકાર માટે ટ્રબલ મેકર થઇ ગયા એવું કહેવાય છે?
નીતિન પટેલ- એકપણ દાખલો કોઇપણ બતાડે. મારો કોઇ ખાસમાં ખાસ વિરોધી હોય તે બતાવે. મે મારા પક્ષ માટે, મારી સરકાર માટે કે ગુજરાત માટે કોઇપણ જાતની ટ્રબલ શબ્દ તમે વાપર્યો એટલે કહું છું એવું કઇ ઉભું કર્યું હોય મારા સ્વભાવમાં જ નથી. નેગેટીવ વિચાર મારા મનમાં જ આવ્યો નથી. હું 1972થી જાહેર જીવનમાં આવ્યો ત્યારથી આવો કોઇ મારો સ્વભાવ નથી.
ભાસ્કર- ઘણા લોકોને હતું કે તમે મુખ્યમંત્રી થશો. પછી અચાનક પાર્ટી કક્ષાએથી બદલાઇ ગયું એ પછી તમારી પોતાની એક વ્યથા આપનું શું કહેવું ?
નીતિન પટેલ- એમાં વ્યથા તમે ખૂબ સાચું કહ્યુ. દરેકની ઇચ્છા-લાગણી હોય,કોઇ ક્રિકેટ રમતો હોય તો તેને સારો ક્રિકેટર થવાની ઇચ્છા હોય. કોઇ એકટીંગ કરતો હોય તો સારો એકટર થવાની ઇચ્છા હોય, આ જરૂરી છે. તેના માટે સતત પ્રયત્નશીલ રહે, તે રાખે તે તેનો અધિકાર છે. તે રીતે અમે કરીએ છીએ એટલે જે થયું જે તે દિવસે તે વાતનું પૂર્ણવિરામ મુકાઈ ગયું.
ભાસ્કર- તમે પોતે પણ કહો છો કે નીતિનભાઈ અને ભાજપ બંન્ને એક સિક્કાની બે બાજુ છે. આ સંજોગોમાં કોઇ માની ન શકે આ રીતે અચાનક મુખ્યમંત્રી પદ માટેની ના આવે એટલે નીતિનભાઈ નારાજ થઇ જાય અને રીસાય જાય..એ નિર્ણય તમે પોતે…
(અધવચ્ચેથી જ પ્રશ્ન કાપતા) નીતિન પટેલ- હું નારાજ થયો જ નથી. જે વખતે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીની જાહેરાત થઇ કે તરત જ હું કામમાં જોડાઇ ગયો.
ભાસ્કર- જ્યારે પાર્ટીમાંથી આદેશ આવ્યો કે તમને મુખ્યમંત્રી નહીં પણ નાયબ મુખ્યમંત્રી પદ અપાયું છે તો તમને અન્યાય થયો હોય એવું ફીલ થયું?
નીતિન પટેલ- જુઓ જે નિર્ણય થતા હોય તે અમારી રાષ્ટ્રીય નેતાગીરી કરતી હોય. દરેક પાસા જોઇને કે દરેક સમયની જરૂરિયાત જોઇ જે નિર્ણય કર્યો હોયતે વાજબી જ હોયને તે માની જ લેવાનો. તેમાં કોઇ પ્રશ્ન જ ન હોય.
ભાસ્કર- વિજયભાઇ રૂપાણી સાથેના સંબંધો અંગે….(પ્રશ્ન અડધેથી કાપીને)
નીતિન પટેલ- જુઓ કોઇની સાથે ખટરાગ કરવાનો, ચાડી-ચુગલી કરવાનો, કોઇની ખુશામત કરવાનો સ્વભાવ જ નથી. વાજબી કહેવું, સાચું કહેવુ, જરૂરીયાત વખતે અને સમયે કહેવું. ઘણા લોકોને કેવી ટેવ હોય છે કે કંઇક બની જાય પછી કહે કે હું ન્હોતો કહેતો. એ મારો સ્વભાવ નથી. મને આનંદ છે કે મારા બધા જ સુચન પક્ષના હીતમાં, સરકારના હીતમાં અને પ્રજાના હીતમાં હોય છે. મારું સુચન કરવામાં ખચકાતો નથી.

source:


Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •