લક્ષચંડી મહાયજ્ઞમાં રોજની આટલા લાખ લીટર દૂધની ચા-કોફી બનશે

Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ઊંઝામાં લક્ષચંડી યજ્ઞને લઇને તાડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ મહાયજ્ઞમાં લાખો લોકોની ભીડ ઉમટવાની છે. મહાયજ્ઞ માટે ઊંઝાના ઐઠોર રોડ પર 700 વીઘા જમીનમાં વિશાળ ઉમાનગર તૈયાર કરવામાં આવ્યું છે. લોકોને મહાયજ્ઞમાં પહોંચવા માટે તકલીફ ન પડે તે માટે રાજ્યના મહેસાણા, પાલનપુર, ભુજ, હિંમતનગર, અમદાવાદ, નડીયાદ, ગોધરા, ભરૂચ, સુરત, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગર અને અમરેલી ડેપો મથકથી 600 જેટલી એક્સ્ટ્રા બસો ST વિભાગ દ્વારા દોડાવવામાં આવશે.

યજ્ઞ માટે 24 વીઘા જમીનમાં યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. યજ્ઞશાળા તૈયાર કરવા માટે 3000થી વધુ વાંસના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. યજ્ઞશાળામાં એકસાથે 3500 વ્યક્તિ અને 700 ભૂદેવ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને 108 યજ્ઞકુંડની સાથે 1100 પાટલા ગોઠવવામાં આવ્યા છે. મહાયજ્ઞમાં ઉપસ્થિતિ રહેનારા લાખો લોકો માટે ચા અને કોફીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મહાયજ્ઞ દરમિયાન રોજનું 1 લાખ લીટર દૂધ આવશે અને તેમાંથી 20 લાખથી વધારે લોકો માટે ચા અને કોફીની વ્યવસ્થા કરવામાં આવશે. ચા અને કોફી માટે ઉમિયાનગરમાં 5 સ્ટોલ લગાવવામાં આવ્યા છે સાથે સાથે ઉમિયા બાગ અને ગંજબજાર ટાવર પાસે પણ ચા અને કોફીની વ્યવસ્થા કરવામાં આવી છે.

18થી 22 ડિસેમ્બર સુધી ચાલનારા મહાયજ્ઞમાં લાખો લોકો ઊંઝામાં ઉમટવાના હોવાથી મંદિર ટ્રસ્ટ અને તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. લક્ષચંડી યજ્ઞમાં અંબાજી જેવો 35 ફૂટની હાઇટ ધરાવતો ગબ્બર તૈયાર કરવામાં આવ્યો છે. આ ગબ્બર 2000 વાંસથી 100 ફૂટ પહોળો તૈયાર કરવામાં આવ્યો છે. ગબ્બરને આકર્ષક દેખાડવા માટે તેની ફરતે લાઈટીંગ ગોઠવવામાં આવી છે.

લક્ષચંડી મહાયજ્ઞમાં આવનારા ભક્તો માટે અલગ-અલગ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે 25 વીઘા જમીનમાં 18000 પ્રેક્ષકો બેસીને સાંસ્કૃતિક કાર્યક્રમ જોઈ શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.

ત્રણ દિવસના ચાલનારા સાંસ્કુતિક કાર્યક્રમના પહેલા દિવસે મા ભગવતી આરાધના અને લાઈટ સાઉન્ડ શો યોજાશે. બીજા દિવસે મા ઉમિયાની પધરામણી અને સૂર સંગમના કલાકારો દ્વારા કાર્યક્રમો યોજાશે. ત્રીજા દિવસે મહિષાસુર મર્દનીમાં જગદંબા પ્રાગટ્યનો સાઉન્ડ શો અને મા ઉમિયાનો ડાયરો થશે.


Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •